અબ્રાહમ લિંકનનો પત્ર

માનનીય શિક્ષકશ્રી,
આજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની.
એટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો.
એને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા.  પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે.
એને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ્ય સમજાવજો. વહેલી તકે એને શીખવજો કે ક્રૂર અને ઘાતકી લોકોને જીતવા સૌથી સરળ છે. જો કરાવી શકો તો તેને પુસ્તકોની અદભુત દુનિયાનાં દર્શન કરાવજો, પણ સાથેસાથે આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યપ્રકાશમાં ગીત ગાતી મધમાખીઓ અને ડુંગરના હરિયાળા ઢોળાવ ઉપર ઊગતાં ફૂલોનાં સનાતન રહસ્ય વિષે વિચારવાની નિરાંત પણ આપજો.   
શાળામાં એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું વધુ ગૌરવભર્યું છે. ભલે બધાના મત પ્રમાણે ખોટા હોઇએ, છતાં પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખવાનું એને શીખવજો. નમ્ર લોકો સાથે નમ્ર અને સખત લોકો સાથે સખત બનવાનું એને શીખવજો. વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. દરેકને સાંભળવાનું એને શીખવજો, પણ સાથેસાથે સત્યની ચાળણીમાંથી બધું ચાળીને પછી જે સારું હોય તેને જ સ્વીકારવાનું પણ શીખવજો. એની પ્રતિભા અને આવડતની ઊંચામાં ઊંચી કિંમત મળે એના પ્રયાસ કરવાનું એને શીખવજો, પણ એને એ પણ શીખવજો કે પોતાનાં હૃદય અને આત્માને વેચવા ન કાઢે.
શક્ય હોય તો એ ઉદાસ હોય ત્યારે એને હસવાનું શીખવજો. એને શીખવજો કે રડવામાં કોઇ શરમ નથી. માનવતામાં જેને શ્રદ્ધા ન હોય તેને વખોડી નાંખવાનું અને અતિ નમ્રતા/વખાણથી સાવચેત રહેવાનું એને શીખવજો.
એની સાથેનું વર્તન મૃદુ/કોમળ રાખજો, પણ એને લાડમાં જકડી ન રાખતા, કારણ કે અગ્નિમાં તપીને જ સોનું નીખરે છે… શુદ્ધ બને છે. અધીર થવાની હિંમત અને ધીરજ ધરવાની સહનશીલતા એને કેળવવા દેજો. પોતાનામાં પરમ/દિવ્ય/ઉચ્ચત્મ વિશ્વાસ રાખવાનું એને કાયમ શીખવજો, જેથી માનવજાતમાં અને ઇશ્વરમાં પણ તે એવો જ વિશ્વાસ રાખતો થાય.
આ ઘણું કઠિન કામ છે. જોઇએ તમે શું કરી શકો છો. એક સુંદર, નાનું વ્યક્તિત્વ છે મારું બાળક.
- અબ્રાહમ લિંકન.... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત