દોડવીર...... ફૌઝાસિંહ.....


શૈલેશ સગપરીયાની બુકમાંથી
(પાસવર્ડ એજ્યુકેશન) 

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે.
મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ.
1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાનું નક્કી કર્યુ.
આ ઉમર તો પથારીમાં પડ્યા પડ્યા ઉંહકારા કરવાની અને જાત-જાતની ફરીયાદો કરવાની હોય પણ ફૌઝાસિંહે પોતાની જાતને મેરેથોન માટે તૈયાર કરી. 93 વર્ષની ઉંમરે એણે 26.2 માઇલનું અંતર 6 કલાક અને 54 મીનીટમાં પુરુ કરીને આખી દુનિયાને આશ્વર્યમાં મુકી દીધી. પછી તો દૂનિયાના કેટલાય દેશોમાં મેરેથોનમાં ભાગ લીધો. ફૌઝા સિંહની ઉંમર અત્યારે 106 વર્ષની છે.
આ ઉંમરે પણ આ દાદા રોજના 15 કીમી જેટલું દોડે છે.
ફૌઝાસિંહને જ્યારે એમની આ તંદુરસ્તીનું રહસ્ય પુછવામાં આવ્યુ ત્યારે એમણે કહ્યુ, “જીવનમાં બનતી સારી કે નરસી બાબતોનો સહજ સ્વિકાર કરીને આનંદથી જીવન જીવતા શીખો અને ભોજનમાં સંયમ રાખો. મેં આજ સુધી ક્યારેય શરાબ કે સીગારેટ પીધી નથી અને હંમેશા શાકાહારી ભોજન જ લઉ છું. તળેલા પદાર્થોને ક્યારેય હાથ નથી અડાડતો અને પાણી ખુબ પીઉ છું. હંમેશા આનંદમાં રહુ છુ અને ભગવાન મારી સાથે જ છે એવુ માનીને ભગવાન સાથે વાતો પણ કરુ છું.
મિત્રો, નાની-નાની શારીરીક તકલીફોની સામે ઘૂંટણીએ પડી જતા આપણે સૌએ ફૌઝાસિંહના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. નોખી માટીના આ અનોખા માણસને વંદન અને અભિનંદન.... 
- અશોક સર 

Comments

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર